1
પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી તરફથી થેસ્સલોનિકામાં રહેતી મંડળીને કુશળતા હો. તમે લોકો આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આઘિન છો.
દેવ બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ.
અમે તમારા માટે હમેશા દેવની આભારસ્તુતિ કરીએ છીએ. અને અમારે તેમ કરવું જોઈએ કારણ કે તેમ કરવું યથાર્થ છે. તે યથાર્થ છે કારણ કે તમારા બધાનો વિશ્વાસ અને એકબીજા માટેનો પ્રેમ દિનપ્રતિદિન વધી રહ્યો છે.
તેથી બીજી દેવની મંડળીઓ આગળ અમે તમારાં વખાણ કરીએ છીએ. અમે કહીએ છીએ કે કઈ રીતે તમે તમારા વિશ્વાસમાં દૃઢ બનવાનું ટકાવી રાખ્યું છે. તમારી ઘણી રીતે સતાવણી કરવામાં આવી છે, અને ઘણી મુશ્કેલીઓ તમે સહન કરી છે પરંતુ નિષ્ઠા પ્રતિ તમે અચળ રહ્યાં છો.
એ સાબિત થઈ ચૂક્યું છે કે દેવ તેના ન્યાયમાં યથાર્થ છે. દેવ તેના રાજ્ય માટે તમે યોગ્ય ગણાઓ તેવા બનાવવા માંગે છે. તમારે ભોગવવી પડતી વેદના તે રાજ્ય માટે છે.
દેવ જે વાજબી છે તે કરશે. જેઓ તમને કષ્ટ આપે છે, તેઓને તે કષ્ટ આપશે.
અને તમે કે જે હેરાન થયા છો તેમને દેવ વિસામો આપશે. દેવ અમને પણ વિસામો આપશે. જ્યારે પ્રભુ ઈસુ પ્રગટ થશે. ઈસુ સ્વર્ગમાંથી તેના પરાક્રમી દૂતો સાથે આવશે.
તે આકાશમાંથી જવાળામય અગ્નિ સહિત જેઓ દેવને જાણતા નથી તેવા લોકોને શિક્ષા કરવા આવશે. જે લોકો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુર્વાતા માનતા નથી તેઓને દેવ શિક્ષા કરશે.
તે લોકો અનંતકાળ સુધી ચાલતા વિનાશથી દંડાશે અને પ્રભુનું સાનિધ્ય તેઓને માટે અલભ્ય બનશે. તેઓ તેના મહિમાવાન સાર્મથ્યથી દૂર રખાશે.
જે દિવસે પ્રભુ ઈસુ આવશે ત્યારે આમ બનશે. ઈસુ તેના સંતો સાથે મહિમાને સ્વીકારવા આવશે. અને દરેક વિશ્વાસીઓ ઈસુ દર્શનથી મુગ્ધ બની જશે. અમે તમને જે કહ્યું તેમાં તમે વિશ્વાસ રાખ્યો છે તેથી તમે એ વિશ્વાસુઓના સમૂહમાં સામેલ થશો.
તેથી અમે હમેશા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે તમને જીવવા મળેલ તેડાને યોગ્ય થઈ ચાલો માટે દેવ તમને સહાય કરે. તમારામાં રહેલું સૌજન્ય તમને સારું કાર્ય કરવા પ્રેરે છે અને તમારો વિશ્વાસ તમને કર્તવ્યનિષ્ઠ બનાવે છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે દેવનું સાર્મથ્ય તમને આમ વધુ ને વધુ કરવા માટે મદદરૂપ બનો.
અમે આ બધા માટે પ્રાર્થના કરીએ છીએ કે જેથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ તમારામાં મહિમાવાન થાય. અને તેના થકી તમે મહિમાવાન બનો. આ મહિમા આપણા દેવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી પ્રાપ્ત થાય છે.
2
ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિષે અમારે કઈક કહેવાનું છે. જ્યારે આપણે તેની (ઈસુની) સાથે ભેગા થઈશું તે સમય વિષે અમારે તમને કહેવું છે.
તમારા વિચારોમાં તમે જલ્દી બેચેન ના બની જતા કે ગભરાઈ ન જતા. જ્યારે તમે એમ સાંભળો કે પ્રભુના દિવસનું આગમન તો ક્યારનું થઈ યૂક્યું છે. કેટલીએક વ્યક્તિઓ પ્રબોધ કરતી વખતે કે સંદેશ આપતી વખતે આમ કહેશે. અથવા પત્રમાં તમે એમ પણ વાંચો કે કેટલાએક લોકો એમ દાવો કરે કે તમે કોઈ આત્મા, વચનથી કે, જાણે અમારા તરફથી આવ્યા છો.
કોઈ વ્યક્તિ કોઈ પણ રીતે તમને ભરમાવે નહિ. પ્રભુનો દિવસ જ્યાં સુધી ધર્મત્યાગ ન થાય ત્યાં સુધી આવશે નહિ. અને તે દિવસ જ્યાં સુધી વિનાશનો પુત્ર એટલે પાપનો માણસ પ્રગટ થશે નહિ. ત્યાં સુધી આવશે નહિ.
જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે. તે બધાની વિરુંદ્ધમાં પાપનો માણસ છે અને તે દુષ્ટ માણસ પોતાની જાતને દેવ તરીકે અને લોકો જેની ઉપાસના કરે છે તેની ઉપર તે પોતાની જાતને ઓળખાવે છે. અને તે દુષ્ટ માણસ તો દેવના મંદિરમાં જાય છે અને ત્યાં બેસે છે. અને પછી તે કહે છે કે તે દેવ છે.
મેં તમને અગાઉ જણાવેલું કે આવી ઘટનાઓ ઘટશે. યાદ છે?
અને તમે જાણો છો કે હવે તે દુષ્ટ માણસને શું અટકાવી રહ્યું છે. અત્યારે તેને અટકાવવામાં આવ્યો છે જેથી કરીને યોગ્ય સમયે તે પ્રકટ (આવશે) થઈ શકશે.
દુષ્ટતાની છૂપી તાકાત જગતમાં ક્યારની પ્રવર્તી રહી છે. પરંતુ એવી એક વ્યક્તિ છે કે જે દુષ્ટતાની છૂપી તાકાતને અટકાવી રહી છે. અને જ્યાં સુધી દુષ્ટ માણસને માર્ગમાંથી દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી તેને અટકાવવા સતત પ્રયત્નશીલ રહેશે.
પછી તે દુષ્ટ માણસ પ્રગટ થશે (આવશે). અને પ્રભુ ઈસુ તે દુષ્ટ માણસનો તેની ફૂંક્થી સંહાર કરશે. પ્રભુ ઈસુ પોતાના આગમનના પ્રભાવથી તે દુષ્ટ માણસનો નાશ કરશે.
ષ્ટ માણસ શેતાનની તાકાત વડે આવશે. તેની પાસે ઘણી તાકાત હશે. અને તે સર્વ પ્રકારનાં ખોટા પરાકમો, ચિહનો, તથા ચમત્કારો કરશે.
દુષ્ટ માણસ દરેક પ્રકારના પાપરુંપ કપટ સાથે પ્રયુક્તિઓમાં જે લોકો ભટકી ગયેલા છે તેમને મૂર્ખ બનાવવા માટે ઉપયોગ કરશે. તે લોકો ભટકી ગયા છે કારણ કે તેઓએ સત્યને ચાહવાનો ઈન્કાર કરી દીધો. (જો તેઓએ સત્યને ચાહ્યું હોત, તો તેઓનું તારણ થઈ શકયું હોત.)
પરંતુ તે લોકોએ તો સત્યને ચાહવાનો અસ્વીકાર કર્યો, તેથી દેવે તેઓની તરફ તેઓને સત્યથી વેગળા દોરી જાય તેવું કઈક શક્તિશાળી મોકલ્યું છે. દેવ તેઓની તરફ તે તાકાત મોકલે છે જેથી કરીને જે સત્ય નથી તેનો જ તેઓ વિશ્વાસ કરે.
તેથી બધા લોકો કે જે સત્યમાં વિશ્વાસ ધરાવતા નથી તેઓ ગુનેગાર ગણાશે. તેઓએ સત્યમાં વિશ્વાસ કર્યો નહિ, અને દુષ્ટ કાર્યો કરવામાં તેઓએ આનંદ માણ્યો.
ભાઈઓ અને બહેનો, પ્રભુ તમને પ્રેમ કરે છે. પ્રારંભથી જ દેવે તારણ કરવા માટે તમારી પસંદગી કરેલ છે. તેથી અમે હમેશા તમારા માટે દેવની સ્તુતિ કરીએ છીએ. આત્મા દ્વારા તમને પવિત્ર કરવાથી અને સત્ય વિશ્વાસ વડે તમારું તારણ થયું છે.
તારણ પ્રાપ્ત કરવા માટે દેવે તમને તેડયા છે. અમે જે સુવાર્તાનો ઉપદેશ આપ્યા, તેના ઉપયોગથી તેણે (દેવે) તમને તેડયા છે. દેવે તમને તેડયા જેથી કરીને આપણા પ્રભુ ખ્રિસ્તના મહિમામાં તમે સહભાગી બની શકો.
તેથી, ભાઈઓ અને બહેનો, દઢ ઊભા રહો અને જે શિક્ષણ અમે તમને આપ્યું છે તેમાં વિશ્વાસ કરવાનું ચાલુ રાખો. અમારી વાણી અને તમારા પરના અમારા પત્રો દ્વારા અમે તમને તે બાબતો શીખવી છે.
3
ભાઈઓ અને બહેનો, હવે અમારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે પ્રભુની વાતનો ઝડપી ફેલાવો થાય અને પ્રાર્થના કરો કે જેમ તમે તે વાતને સન્માનેલ, તેમ અન્ય લોકો પણ તેને સન્માને.
અને પ્રાર્થના કરો કે અનિષ્ટ અને દુષ્ટ મનુષ્યોથી અમારું રક્ષણ થાય. (બધા જ લોકો પ્રભુમાં વિશ્વાસ ધરાવતા નથી.)
પરંતુ પ્રભુ વિશ્વસનીય છે. તે તમને સાર્મથ્ય પ્રદાન કરશે અને દુષ્ટ (શૈતાન) થી તમારું રક્ષણ કરશે.
અમે તમને જે કહેલુ તે જ પ્રમાણે તમે કરી રહ્યાં છો, તેવી પ્રભુ અમને નિશ્ચિતપણે ખાતરી કરાવશે. અને અમે જાણીએ છીએ કે તમે તેમ કરવાનું ચાલુ જ રાખશો.
અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારા હદયોને દેવના પ્રેમ તરફ અને ખ્રિસ્તના ધૈર્ય તરફ દોરો.
ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાર્મથ્ય (અધિકાર) વડે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે જે કોઈ વિશ્વાસુ કામ કરવાનો ઈન્કાર કરે છે તેનાથી તમે દૂર રહો. જે લોકો કામ કરવા ઈન્કાર કરે છે, તેઓ અમે જે શિક્ષણ આપ્યું છે તેને અનુસરતા નથી.
તમે પોતે જાણો છો કે તમારે એ રીતે જીવવું જોઈએ જે રીતે અમે જીવીએ છીએ. તમારી સાથે જ્યારે અમે હતા, ત્યારે અમે આળસુ ન હતા.
અને જ્યારે અમે અન્ય લોકોનું અન્ન આરોગ્યું હતુ ત્યારે અમે હમેશા તેનું મૂલ્ય ચૂકવ્યું હતું. તમારા કોઈ માટે અમે બોજારુંપ ન બનીએ તેથી અમે ઘણું કામ કર્યુ હતું. અમે રાત દિવસ કામ કર્યુ હતું.
જ્યારે અમે તમારી સાથે હતા, અમે તમને આ નિયમ આપ્યો હતો: “જો વ્યક્તિ કામ ન કરે તો, તેણે ખાવું નહિ.”
અમે એવું સાંભળીએ છીએ કે તમારા સમૂહમાં કેટલાએક લોકો ઉદ્યોગ કરતા નથી. તેઓ કશું જ કરતા નથી. અને તે લોકો બીજા લોકોના જીવનવ્યહારમાં ઘાલમેલ કરે છે.
અમે આવા લોકોને આજ્ઞા કરીએ છીએ કે તેઓ બીજા લોકોને હેરાન ન કરે. અમે તેઓને આજ્ઞા કરીએ છીએ કે ઉદ્યોગ કરીને પોતાની આજીવિકા પોતે જ કમાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમે તેમને આમ કરવા વિનવીએ છીએ.
ભાઈઓ અને બહેનો, ભલું કરતાં થાકશો મા.
જો કોઈપણ વ્યક્તિ અમે આ પત્રમાં જે કરીએ છીએ તે માને નહિ, તો તે વ્યક્તિને ધ્યાનમાં રાખજો તેની સાથે સંકળાશો નહિ પરિણામે કદાચ તે પોતેજ શરમિંદો બને.
તો પણ તેને શત્રું ન ગણો, ભાઈ જાણીને તેને શિખામણ આપો.
અમે પ્રાર્થના કરીએ છીએ કે શાંતિનો પ્રભુ તમને શાંતિ બક્ષો. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે તમને પ્રત્યેક સમયે અને પ્રત્યેક પ્રકારે શાંતિ આપો. પ્રભુ તમારા બધાની સાથે હો.
હું પાઉલ છું, અને મારા પોતાના હસ્તાક્ષરથી આ પત્રને વિરમવું છું. મારા બધાજ પત્રોમાં એ નિશાની છે એવી રીતે હું આ લખું છું.
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.